વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની નિયમિત બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસને લગતી કુલ 18 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. વિસ્તૃત ચર્ચા બાદ તમામ દરખાસ્તોને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દર અઠવાડિયે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે યોજાતી આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર તરફથી વિવિધ વિભાગોની 18 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં પાણી પુરવઠા શાખા, કાર્યપાલક ઇજનેર વિભાગ, આરોગ્ય ખાતું, મિકેનિકલ વિભાગ, સેન્ટ્રલ સ્ટોર, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક વિભાગ, સ્ટ્રીટ લાઇટ વિભાગ તેમજ પાર્ક એન્ડ ગાર્ડન શાખાના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સમિતિના સભ્યો દ્વારા દરેક દરખાસ્ત પર ચર્ચા કર્યા બાદ તમામ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીથી શહેરના મૂળભૂત સુવિધાઓ અને ઢાંચાકીય વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, શહેરના સર્વાંગી વિકાસ માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે અને જનહિતને ધ્યાનમાં રાખીને વિકાસલક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

