ડભોઈ, વડોદરા ડભોઈ તાલુકાના ખેડૂતો અત્યારે પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક તરફ રવિ પાકને પાણીની સખત જરૂર છે, ત્યારે બીજી તરફ સુલતાનપુરા-પારિખા માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્રની આળસને કારણે ખેડૂતોનો તૈયાર પાક સુકાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.પાણીનો વેડફાટ: કેનાલમાં ગાબડું પડવાને કારણે કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે સીધું બાજુમાં આવેલા તળાવમાં વહી જઈ રહ્યું છે.અસરગ્રસ્ત ગામો: આ કેનાલ પર નિર્ભર એવા પારિખા, મંડાળા, કરમાલ અને સુલતાનપુરા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે.
જોખમ હેઠળનો પાક: અંદાજે 2000 એકર જમીનમાં ઉભો થયેલો મકાઈ, તુવેર, દિવેલા અને કપાસ જેવો રોકડીયો પાક અત્યારે પાણી વગર મુરઝાઈ રહ્યો છે.તંત્રની ઊંઘ ઉડતી નથીખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા બે મહિનાથી નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં, તંત્ર દ્વારા ગાબડાના સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓની આ “આળસ” હવે ખેડૂતોને આર્થિક પાયમાલી તરફ ધકેલી રહી છે.
”જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ કેનાલ તૂટેલી હાલતમાં છે. જો વહેલી તકે રિપેરિંગ નહીં થાય તો અમારો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે
જો આગામી થોડા દિવસોમાં કેનાલનું સમારકામ કરી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે, તો ખેડૂતોએ જંગી નુકસાની વેઠવી પડશે. ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમ એસી ઓફિસોમાંથી બહાર નીકળી ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરે અને યુદ્ધના ધોરણે ગાબડું પુરી પાણી ખેડૂતો સુધી પહોંચાડે.

