છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લખેલા પત્રમાં જણાવ્યું છે, કે છોટાઉદેપુર વિધાનસભા મતદાર વિસ્તારમાં છોટાઉદેપુર નગરપાલીકા આવેલી છે. ૨૦૧૩ માં વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અલગ બનેલો છે. છોટાઉદેપુર જિલ્લાનુ મુખ્ય મથક છે. રાજય સરકારના વિવિધ વિભાગોની કચેરીઓ અહીયા કાર્યરત છે. જિલ્લા મથક બન્યા પછી છોટાઉદેપુરનો ભૌગોલીક વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહયો છે. છોટાઉદેપુરના રહીશોને પીવાના પાણી માટે ઉનાળાના સમયમાં ખુબ મુશ્કેલીઓ પડે છે. પીવાના પાણી માટે છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવેલો છે. તેમ છતાં પીવાના પાણી સમસ્યા યથાવત રહી છે. જેથી છોટાઉદેપુર નગરપાલીકા વિસ્તારમાં રહીશોને પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી ઉપલબ્ધ થાય તે માટે ઓરસંગ નદી પરના હયાત ચેકડેમની ઉપરવાસમાં અને હયાત ચેકડેમની નીચવાસમાં વારીગૃહ પાસે ચેકડેમ બનાવવામાં આવે તો જળસ્તર ઉચા આવશે. કાયમી ધોરણે પીવાના પાણીની સમસ્યા હલ થાય તેમ છે. તો સુચિત બન્ને ચેકડેમોની સ્થળસ્થિતિનુ સર્વે કરી ચેકડેમ બનાવવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખી વિનંતી સાથે ભલામણ કરી હતી.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

