દશા સુધારનારા માઁ દશા માતાજીના વ્રતનો ગુરુવારથી પ્રારંભ થયો છે.માઁઈ ભક્તો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો હતો.ત્યારે, ભક્તો દ્વારા આગમન સવારી યોજી માતાજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.આજથી માતાજી ભક્તોને ત્યાં દસ દિવસ આતિથ્ય માણશે.
સંસ્કારી નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા માઁ દશાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છે.માઁઈ ભક્તો દ્વારા દશા માતાજીની આગમન યાત્રા વાજતે ગાજતે યોજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. અષાઢ માસની અમાસ એટલે કે, દિવાસોના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે. દશામા ભકતોની દશા સુધારે છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે. જેમાં અંતીમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં આવે છે. દશામા વ્રતના પ્રથમ દિવસે પંડાલ અને મંદિરમાં દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે. પૂરા દસ દિવસ સુધી દશામા વ્રત રાખે છે અને દરરોજ દશામા વ્રતની કથા કરે છે. દશામા વ્રતના દસમા દિવસે દશામા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવશે.

