Genius Daily News
ભરુચભરુચ જિલ્લો

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું પ્રદર્શન નિષ્ફળ, કાર્યક્રમ પહેલાં જ પોલીસ કાર્યવાહી

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું પ્રદર્શન નિષ્ફળ, કાર્યક્રમ પહેલાં જ પોલીસ કાર્યવાહી, કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તાયફાઓ કરાતા હોવાના આક્ષેપો!

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે સવારે 11:30 કલાકે વાગરા તાલુકાના વિલાયત ચોકડી ખાતે ખરાબ રોડ-રસ્તા મુદ્દે પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું. પ્રદર્શનકારી કોંગી કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું, અને અંતે પોલીસે તેમની અટકાયત કરી વાગરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ કોંગ્રેસ માટે શરમજનક સાબિત થયો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે, ખાસ કરીને પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી અને સ્થાનિક નાગરિકોના વિરોધને કારણે અનેક સવાલો ઉભા થયા છે. હવે તો, આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો યુથ કોંગ્રેસ દ્વારા વાગરાના વિલાયત ચોકડી પર ખરાબ રસ્તાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો આ પ્રયાસ સફળ થઈ શક્યો ન હતો. વાગરા પોલીસે પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ સક્રિય ભૂમિકા ભજવી હતી. અને કોંગી કાર્યકરોને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થોડો ઘર્ષણ પણ જોવા મળ્યો હતો, પરંતુ અંતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે તંત્ર કોઈપણ પ્રકારના અરાજકતાને રોકવા માટે પ્રતિબદ્ધ હતું. આ પ્રદર્શનમાં વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના અગ્રણી નેતા સુલેમાન પટેલ, તેમજ આસપાસના ગામોના સરપંચો અને અન્ય મોટા આગેવાનોની ગેરહાજરી નોંધનીય રહી હતી. આ ગેરહાજરીએ યુથ કોંગ્રેસના કાર્યક્રમની ગંભીરતા અને પક્ષની આંતરિક એકતા પર સવાલો ઉભા કર્યા છે. શું આ પ્રદર્શન માત્ર દેખાવ પૂરતું હતું? શું પક્ષના મોટા નેતાઓ યુથ કોંગ્રેસના આ પ્રયાસને સમર્થન આપવા તૈયાર ન હોતા? અથવા શું તેમને આ કાર્યક્રમની નિરર્થકતાનો અગાઉથી અંદાજ હતો? આ સવાલો હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. આશ્ચર્યજનક રીતે, યુથ કોંગ્રેસના આ પ્રદર્શનનો કેટલાક જાગૃત નાગરિકો પણ વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે, કે આ માર્ગ વર્ષોથી જર્જરિત હાલતમાં છે, તો પછી યુથ કોંગ્રેસને અત્યારે જ કેમ આ મુદ્દો યાદ આવ્યો? આ પ્રશ્ન કોંગ્રેસની રાજકીય દાનત પર શંકા ઉભી કરે છે. વધુમાં, એવી માહિતી પણ મળી રહી છે કે દેરોલથી વિલાયતના માર્ગનું નવીનીકરણ આગામી સમયમાં શરૂ થવાનું જ છે. જો આ વાત સાચી હોય, તો કોંગ્રેસ દ્વારા આ પ્રકારના “ખોટા ટાયફા” શા માટે કરવામાં આવી રહ્યા છે?તે એક મોટો પ્રશ્ન છે. શું કોંગ્રેસ માત્ર રાજકીય લાભ ખાટવા માટે અને લોકપ્રિયતા મેળવવા માટે આવા પ્રદર્શનો કરી રહી છે? જ્યારે તેમને સમસ્યાના ઉકેલની વાસ્તવિકતાની જાણ છે? સૌથી અગત્યનો અને તાજેતરનો આક્ષેપ એ છે, કે યુથ કોંગ્રેસના આ કાર્યક્રમો આગામી સમયમાં યોજાનાર યુથ કોંગ્રેસના આંતરિક ઇલેક્શનને ધ્યાનમાં રાખીને યોજાઈ રહ્યા છે. એવું મનાય છે, કે યુથ કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો આ પ્રદર્શનો દ્વારા પોતાની નેતાગીરી સાબિત કરવા અને સંગઠનમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જો આ વાત સાચી હોય, તો આ પ્રદર્શનો લોકહિત કરતાં વ્યક્તિગત રાજકીય મહત્વાકાંક્ષાનું પરિણામ વધારે છે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે, કે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું આ પ્રદર્શન સુરસુરીયું સાબિત થયું છે. પોલીસની સમયસરની કાર્યવાહી, પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી, સ્થાનિક નાગરિકોના વિરોધ અને આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને લગતા આક્ષેપોએ આ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે, અને સાથેજ કોંગ્રેસની રાજકીય વ્યૂહરચના પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું આ ઘટના કોંગ્રેસ માટે એક વેક-અપ કોલ સાબિત થશે, કે પછી આવા “ટાયફા” રાજકારણ ચાલુ જ રહેશે? તે જોવું રહ્યું!

Related posts

વાલિયાના ડહેલી ગામે આદિવાસીઓ પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા

admin

યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

admin

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગી

admin

Leave a Comment