વડોદરાના શ્રદ્ધાળુ શિવભક્તો દ્વારા શ્રાવણ માસના પવિત્ર ચાર સોમવારને દિવ્ય ભક્તિ અને શૃંગાર સાથે ઉજવવાનો અનોખો સંકલ્પ લીધો છે. આ પવિત્ર યાત્રામાં પ્રત્યેક સોમવારે ભારતના ચાર પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિરોને ભવ્ય ફૂલોથી શણગારવાનો મહોત્સવ ઉજવાય છે, જે ભક્તિ, સંસ્કૃતિ અને સૌંદર્યનું અલૌકિક સંગમ બની રહ્યો છે.
પ્રથમ સોમવારે, સૌરાષ્ટ્રના પ્રાચીન અને પૂજનીય સોમનાથ મહાદેવ મંદિરમાં અદ્ભુત શણગાર કરીને ભક્તિનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા સોમવારે, ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં ભવ્ય ફૂલોથી શણગાર કરી, મહાકાલની અદ્વિતીય મહિમાને પ્રગટાવવામાં આવી હતી.
આજે, ત્રીજા સોમવારે, મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં રંગબેરંગી અને સુગંધિત આશરે ૩૨૦૦ કિલો ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગુલાબ, ઓર્ચિડ, ગેંદા, કમળ સહિતના ફૂલોથી સજાવાયેલા આ શણગારે મંદિર પરિસરને સ્વર્ગિક સુંગધ અને દિવ્ય આભાથી વ્યાપી દીધું. દૂર દૂરથી આવેલા ભક્તોએ આ પવિત્ર દૃશ્યનો લાભ લઈ, ભગવાન શંકરને આભાર વ્યક્ત કર્યો અને પોતાના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.
હવે આ પવિત્ર યાત્રાનો અંતિમ પડાવ આવનાર ચોથા સોમવારે આવશે, જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકા મંદિરનો ભવ્ય અને વૈભવી શણગાર કરવામાં આવશે. આ અવસરે ભક્તિનો દરિયો ફરી એકવાર છલકશે અને શ્રાવણ માસના આ પવિત્ર મહોત્સવને પૂર્ણતા મળશે.
આ અનોખી સેવા વડોદરાના શિવભક્તોના સમૂહિક પ્રયાસ અને ભક્તિભાવનું જીવંત પ્રતિક છે, જે સમગ્ર સમાજને એકતા, સેવા અને સંસ્કૃતિના સંદેશા સાથે પ્રેરણા આપે છે.

