ડભોઇ નજીક ફરતી કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ભયાનક અકસ્માત: ડિવાઈડરને કલર કરતી ગાડી સાથે કાર અથડાતા કલર ઢોળાયો, સદનસીબે જાનહાનિ ટળી.
ડભોઇ તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) જતા માર્ગ પર આવેલી એકતા હોટલ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગના ડિવાઈડર પર કલરકામ કરી રહેલી એક ગાડી સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ધડાકાભેર અથડાઈ હતી. આ જોરદાર ટક્કરમાં બંને વાહનોને મોટું નુકસાન થયું હતું, અને કલરકામની ગાડીમાં રાખેલો તમામ કલર રોડ પર ઢોળાઈ જતાં ચારે તરફ બેલમછેલ થઈ ગઈ હતી.મોટો અકસ્માત, જાનહાનિ ટળી
અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કાર અને કલરકામની ગાડીને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. જોકે, સૌથી રાહતની વાત એ રહી કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ચોમાસાએ વિરામ લીધો છે અને રોડ રિપેરીંગ તથા કલરકામ ચાલી રહ્યું છે, ત્યારે અકસ્માત સમયે સ્થળ પર હાજર ડિવાઈડર કલર કરી રહેલા મજૂરોનો પણ આબાદ બચાવ થયો હતો.અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે સ્થાનિકો અને પોલીસની મદદથી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર વાહન ચાલકોને સલામતીના નિયમોનું પાલન કરવા અને વધારે પડતી ઝડપ ટાળવા માટે ચેતવણી આપી છે.

