વડોદરા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રારંભ થયેલી ‘યુનિટી માર્ચ’ આજે વડોદરા જિલ્લામાં પ્રવેશી હતી. સિંધરોટ ચોકડી ખાતે યાત્રાનું જિલ્લા ભાજપ, ગ્રામજનો, સ્કૂલોના વિદ્યાર્થીઓ અને અનેક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
એકતા અને રાષ્ટ્રભાવના માટેનો સંદેશ આપવા નીકળેલી આ યુનિટી માર્ચ આગામી 3 ડિસેમ્બર સુધી વડોદરા શહેર અને જિલ્લામાં ફરશે. યાત્રાના આગમનને લઈ સિંધરોટ વિસ્તાર દેશભક્તિના સૂત્રોચ્ચારો અને સ્વાગત ગીતો સાથે ગુંજાયો હતો.
યાત્રામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સિંધરોટ ખાતે આયોજિત ગ્રામ સભામાં યુનિટી માર્ચના હેતુ, રાષ્ટ્રીય એકતા અને સરદાર પટેલના અધ્યયન વિષે ગણમાન્યોએ માર્ગદર્શન આપ્યું.
સાંજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગ્રામ સભાને સંબોધિત કરશે, જેમાં તેઓ સરદાર પટેલના જીવનમૂલ્યો અને એકતાની ભાવના અંગે ગ્રામજનોને પ્રેરણા આપશે.
યુનિટી માર્ચના આગમનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.

