સાવલી: કે-જે આઇ.ટી., સાવલી અને ‘આવાસ યુથ વુમન રોડ સેફ્ટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ કેમ્પેઇન 2025’ ના સંયુક્ત આયોજન હેઠળ આજ રોજ કેજે કેમ્પસમાં મહિલા માર્ગસુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓમાં રસ્તા સલામતી અંગે જાગૃતિ વધારવાનો અને ટ્રાફિક નિયમોના પાલન માટે પ્રેરણા આપવાનો હતો.
ભારત સહિત ગુજરાતમાં માર્ગ અકસ્માતોના વધતા બનાવો અને સમયસર સારવારના અભાવે વધતા મૃત્યુઆંકને લઈને કેન્દ્ર સરકારે રોડ સેફટીના અનેક કાયદાઓમાં સુધારા કર્યાં છે. આ સંદર્ભે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રોડસેફટી એક્સપર્ટ આરટીઓ અજમેર ડો. વિરેંદ્રસિંગ રાઠોડ, રોડસેફટી માસ્ટર ટ્રેનર રાજસ્થાન સડક સુરક્ષા શ્રીમાન ભરત ગુર્જર, ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ,ગાંધીનગરના ટ્રસ્ટી ડો. મયુરભાઈ જોશી, રોડસેફટી સીઈઓ, ગાંધીનગર શ્રીમાન સંકેત પટેલ અને રોડસેફટી એક્સપર્ટ અમદાવાદના અમિતભાઈ ખત્રી સહિત જાવલા ગ્રામપંચાયત ના મહિલા સરપંચ ભારતી બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, સુરક્ષિત ડ્રાઇવિંગ, હેલ્મેટ અને સીટબેલ્ટના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. ઉપરાંત માર્ગસુરક્ષા કાયદાનો પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન કેજે કેમ્પસ, સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા હોમિયોપેથી કોલેજની 400થી વધુ વિદ્યાર્થીનીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ જાગૃતિવર્ધક કાર્યક્રમને કારણે મહિલા વિદ્યાર્થીઓમાં માર્ગસુરક્ષાના પ્રત્યે સકારાત્મકતા અને જવાબદારીનો ભાવ વધ્યો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.

