ડાકોર મંદિરની પાસે સાતથી આઠ દુકાનોમાં ભિષણ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ડાકોરના રણછોડજી મંદિર પાસે આવેલા કિલ્લાના દરવાજા નજીક આજે અચાનક મીઠાઈની દુકાનોમાં એક પછી એક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પવિત્ર સ્થળ હોવાને કારણે અહીં સામાન્ય દિવસોમાં પણ ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ સદનસીબે ઘટના સમયે વિસ્તાર તુલનાત્મક શાંત હતો, જેના કારણે કોઈ જાનહાનિ ન હોવાના સમાચાર મળી રહ્યા છે.આગ લાગતા જ દુકાનદારો અને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી.ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું અને થોડા સમયના પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવી લીધો. આગના કારણે અનેક દુકાનોમાં નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળે છે,પરંતુ સાચું મૂલ્યાંકન બાદમાં સામે આવશે.

