ખેડા જિલ્લાના વણાકબોરી ખાતે આવેલ Wanakkbori Thermal Power Station (WTPS) ના પરિસરમાં ગઈકાલે તા. 27-02-2026ના રોજ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આસપાસના 7થી 10 જેટલા ગામોના હિન્દુ સમાજના અગ્રણીઓ, વડીલો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
સંમેલન દરમિયાન સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સામાજિક સમરસતા જળવાય, જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી સૌ એકતા સાથે આગળ વધે તેવો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર પણ વિશેષ ભાર મુકાયો હતો. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્ર સાથે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા તથા પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા સૌને આહવાન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાગરિક કર્તવ્ય વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં એક જવાબદાર નાગરિક તરીકે સમાજ પ્રત્યેની ફરજો નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોએ સામાજિક એકતા, પર્યાવરણપ્રેમી જીવનશૈલી અને સમાજના સર્વાંગી ઉત્થાન માટે સંકલ્પ લીધો હતો. આ સંમેલનથી સ્થાનિક વિસ્તારમાં સામાજિક જાગૃતિ અને એકતાનો સકારાત્મક સંદેશ પ્રસર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

