ગળતેશ્વર તાલુકાના હડમતીયા થી વાળીનાથ તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. રોડ પર મોટા ખાડાઓ પડી જવા ઉપરાંત માર્ગની બંને બાજુએ કાંટાળી ઝાડીઓ ઉગી નીકળતા અવરજવર મુશ્કેલ બની ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર રોજબરોજ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને ખેડુતો અવરજવર કરતા હોય છે, પરંતુ ખરાબ રોડને કારણે વારંવાર અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી માહોલમાં સ્થિતિ વધુ જોખમી બની જાય છે.
આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક યુવા આગેવાનો પીન્ટુ પરમાર, રવિ પરમાર અને ચિરાગ પટેલ દ્વારા સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમણે તંત્રને તાત્કાલિક રોડનું સમારકામ તથા માર્ગ કિનારાની ઝાડીઓની સફાઈ કરવા માંગ કરી છે.
સ્થાનિક અગ્રણીઓએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “હાલમાં આ રોડ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. જો તંત્ર વહેલી તકે રિપેરિંગ કામગીરી શરૂ નહીં કરે, તો ગ્રામજનોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.”
હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલાં ગંભીરતાથી લે છે અને માર્ગના સમારકામ માટે તાત્કાલિક પગલાં લે છે કે પછી લોકોને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે.

