વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નં. 8માં યુવાનોમાં રમતગમત, શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસે તે હેતુથી આયોજિત “યુવા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ”નો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં અંદાજે 2000થી વધુ યુવાનો ભાગ લઈ રહ્યા છે.
વોર્ડ નં. 8ના યુવાનો માટે રમતગમતને માત્ર મનોરંજન નહીં પરંતુ શિસ્ત, એકતા અને નેતૃત્વનો આધાર માનતા સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનું ઉદઘાટન સ્વેજલ વ્યાસના માતા–પિતાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ યુવા ઉત્સાહ અને સંગઠનની ઉજવણી કરતી ટુર્નામેન્ટની શરૂઆત આજે સાંજે 5:30 વાગે પાવરપ્લે ટ્રફ, શ્રી હરિ ફાર્મની સામે, સપનાના વાવેતર પાર્ટીપ્લોટ આગળ, લક્ષ્મીપુરા રોડ, ગોરવા – વડોદરા ખાતે કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટની ખાસિયત એ છે કે તેમાં ખેલાડીઓના ઉત્સાહને વધારવા માટે દરેક બોલ પર કેશ ઇનામ જીતવાની અનોખી યોજના અમલમાં મૂકવામાં આવી છે. મેદાન પર મૂકાયેલા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓના પોસ્ટર પર બોલ લાગવા પર ₹300થી લઈને ₹33,000 સુધીના કેશ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે.
એક ઓવરમાં ત્રણ વખત બોલ ડાયરેક્ટ લાગતા ₹5,000,
મહેન્દ્રસિંહ ધોનીના પોસ્ટર પર એક ઓવરમાં પાંચ વખત બોલ લાગતા ₹19,000,
હાર્દિક પંડ્યાના પોસ્ટર પર પાંચ વખત બોલ લાગતા મહત્તમ ₹33,000,
વિરાટ કોહલીના પોસ્ટર પર ત્રણ વખત બોલ લાગતા ₹3,000
અને રોહિત શર્માના પોસ્ટર પર બે વખત બોલ લાગતા ₹2,300નું કેશ ઇનામ આપવામાં આવશે.
આ ભવ્ય આયોજનના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ, સ્થાનિક આગેવાનો અને રમતપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા યુવાનોમાં ખેલભાવના સાથે શિસ્ત અને જવાબદારીના સંસ્કારો વિકસે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

