વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા યુવકના અપહરણ કરી તેને નિર્મમ રીતે માર મારવાના બનાવમાં મકરપુરા પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી છે. જૂની અદાવતના કારણે છ ઈસમોએ રિક્ષામાં યુવકનું અપહરણ કરી તેને કપુરાઈ હાઈવે પર લઈ જઈ પાઇપ અને ઘોકા વડે ઢોર માર માર્યો હતો.
આ સમગ્ર મામલે એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, ફરિયાદી આકાશ સોનવણેનું છ આરોપીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની ઉપર બેરહેમીથી હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવત આ ઘટનાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી ઘટનાક્રમની વધુ સ્પષ્ટ વિગતો મળી શકે.
પોલીસ દ્વારા અન્ય આરોપીઓની સંડોવણી અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને પોલીસ સતર્ક બની છે.

