વડોદરાની રેલવે કોલોનીમાં સચિન રાઠવા નામના યુવકની હત્યાના મામલે પોલીસ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. આ કેસ અંગે એસીપી પ્રણવ કટારિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સચિનની હત્યા તેની મંગેતર રેખા રાઠવાએ કરી હતી, જે રેલવે વિભાગમાં ખલાસી તરીકે નોકરી કરે છે.
પોલીસના જણાવ્યા મુજબ હત્યા પૂર્વે તા. 30ના રોજ સચિન અને રેખા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન સચિને લગ્ન તોડવાની વાત કરતા રેખા ઉશ્કેરાઈ ગઈ હતી અને ગુસ્સાના આવેગમાં આવી તેણે દુપટ્ટા વડે સચિનની ગળાફાંસો આપી હત્યા કરી હતી.
તપાસમાં બહાર આવ્યું છે કે બંને છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બંને વચ્ચે ઓળખાણ ઇન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. સચિન વારંવાર રેખા પર શંકા કરતો હતો, જેના કારણે તેમના સંબંધોમાં તણાવ રહેતો હતો. આ શંકા અને ઝઘડાઓ અંતે હત્યાનું કારણ બન્યા હોવાનું પોલીસનું કહેવું છે.
એસીપી પ્રણવ કટારિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાના પ્રારંભિક તબક્કામાં રેખાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સખત પૂછપરછ બાદ તેણે પોતાની ગુનાહિત હરકત સ્વીકારી લીધી હતી.
હાલ પોલીસ દ્વારા હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

