યુનિવર્સિટીમાં લેવામાં આવતી એક્સ્ટર્નલ પરીક્ષાઓનું પરિણામ સામાન્ય રીતે પરીક્ષા પૂર્ણ થયા બાદ 45 દિવસમાં જાહેર કરવામાં આવે છે. પરંતુ ફેકલ્ટી ઓફ કોમર્સમાં T.Y. B.Com સેમેસ્ટર-5ની એક્સ્ટર્નલ પરીક્ષા પૂર્ણ થયાને આજે 45 દિવસ પૂરા થવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે, પરિણામ ક્યારે જાહેર થશે તે બાબતે યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. પરિણામમાં વિલંબ થવાથી વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ, પ્રવેશ પ્રક્રિયા તથા ભવિષ્યની યોજનાઓ પર સીધી અસર પડી રહી છે.
આ સંદર્ભે યુનિવર્સિટી પરીક્ષા વિભાગને વિનંતી કરવામાં આવી છે કે T.Y. B.Com સેમેસ્ટર-5ની એક્સ્ટર્નલ પરીક્ષાનું પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે. સાથે જ S.Y. B.Com સેમેસ્ટર-3ની એક્સ્ટર્નલ પરીક્ષાનું પરિણામ પણ પરીક્ષા પૂર્ણ થયા બાદ 45 દિવસમાં જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો આવનાર સમયમાં વહેલી તકે પરિણામ જાહેર નહીં કરવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ભારે સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પ્રશાસનના તાત્કાલિક નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

