વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા યુવકનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરવાના બનાવે શહેરમાં ચકચાર મચાવી છે. જૂની અદાવતના કારણે 6 ઈસમોએ મળીને યુવકનું રિક્ષામાં અપહરણ કરી તેને વાઘોડિયા હાઈવે પર લઈ જઈ પાઇપ અને ઘોકા વડે બેરહેમ રીતે માર માર્યો હતો.
મૃતક યુવકનું નામ આકાશ સોનવણે હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ આકાશને અપહરણ કર્યા બાદ ઢોર માર મારતા તેની ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મકરપુરા પોલીસે મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ઘટનાક્રમની વિગત બહાર આવી છે.
પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવકની નિર્મમ હત્યાના બનાવથી તરસાલી સહિત સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે.

