વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે અધિકારીઓ હરકતમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ગત સંકલન બેઠકમાં કરાયેલી રજૂઆતો બાદ હવે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે.
ડભોઇ–વડોદરા રોડ ઉપર આવેલા પલાસવાડા ફાટકને પહોળું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે લાંબા સમયથી લટકેલી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જણાવ્યા મુજબ સંકલન બેઠકમાં મૂકવામાં આવેલા અન્ય પ્રશ્નોને પણ ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે.
આ સાથે ડભોઇ તાલુકાના ઐતિહાસિક તેનતલાવ તળાવના બ્યુટીફિકેશન તેમજ તળાવમાં પાણી ભરવાના હેતુથી કરાયેલી રજૂઆતને પણ માન્યતા આપવામાં આવી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. આગામી સમયમાં ઐતિહાસિક તેનતલાવ તળાવમાં પાણી ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
ધારાસભ્યોએ જણાવ્યું હતું કે અધિકારીઓના ઢીલાશભર્યા વલણ સામે મોરચો માંડ્યા બાદ હવે પરિણામ ઝડપથી મળી રહ્યા છે. વિકાસના અનેક કામો વિલંબમાં પડ્યા હતા, જેને લઈને ધારાસભ્યો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી, જેનો હવે સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યો છે.

