વિદ્યાર્થી પાસેથી રૂપિયા લેવાતા ફરિયાદ બાદ પોલીસ કમિશનરના આદેશથી કાર્યવાહી
વડોદરામાં ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા તોડ માંગવાના મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક પગલાં લીધા છે. તારીખ 22ના રોજ એમ.એસ. યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને બુલેટ મોટરસાયકલ સાથે પકડી તેના સાયલેન્સર મુદ્દે કાર્યવાહી કરવાની વાત કહી રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર વિદ્યાર્થી જગદીશ તિવારી પાસેથી રૂ. 3,000 લેવામાં આવ્યા હતા તેમજ રૂ. 500નો ખોટો મેમો પણ જનરેટ કરવામાં આવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થીએ ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરતાં મામલો ગંભીર બન્યો હતો.
ડીસીપી ટ્રાફિક ઋષિકેશ ઉપાધ્યાયે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ પ્રાથમિક રીતે દોષિત જણાતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિરણ જોગદિયાની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે ટી.આર.બી. જવાન યશપાલ સિંધાને ફરજમુક્ત કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને પગલે ફરિયાદી વિદ્યાર્થીએ પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને ન્યાયસંગત પગલાંની સરાહના કરી હતી.

