વડોદરા: શહેરની વિશ્વામિત્રી નદી કિનારે આવેલ ઐતિહાસિક યવતેશ્વર ઘાટ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આકર્ષક સજાવટ અને સફાઈથી ઝળહળી ઉઠ્યો છે. છેલ્લા ૨૧ વર્ષથી વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા દર વર્ષે શિવરાત્રીના અવસરે ઘાટની વિશેષ સફાઈ, રંગરોગાન અને સૌંદર્યવર્ધનનું કાર્ય કરવામાં આવે છે.
આ વર્ષે પણ સમિતિ દ્વારા ઘાટની સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઘાટ ઉપર આકર્ષક રંગરોગાન કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે વિવિધ કલાકારો દ્વારા નિશુલ્ક પેન્ટિંગ બનાવી ઘાટને કલાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રંગબેરંગી આર્ટવર્ક, આભલા અને વિવિધ સાંસ્કૃતિક થીમ આધારિત પેન્ટિંગ્સના કારણે સમગ્ર વિસ્તાર મનમોહક બની ગયો છે.
મહાશિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં લોકો યવતેશ્વર ઘાટની મુલાકાત લઈ સુંદર પેન્ટિંગ્સ અને સજાવટ નિહાળે છે, જેને કારણે આ સ્થળ ધાર્મિક સાથે સાંસ્કૃતિક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
આજ રાત્રે યવતેશ્વર ઘાટ ખાતે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમિતિના આ સતત સેવાકાર્યથી શહેરમાં સ્વચ્છતા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ સાથે ભક્તિમય માહોલ સર્જાયો છે.

