વડોદરા શહેરના સનફાર્મા રોડ પર 14 ફેબ્રુઆરી, 2026ની મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માત કેસે હવે રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કર્યું છે. પૂરપાટ ઝડપે દોડતી થાર કાર દ્વારા એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
મૃતક અભિષેક વાસુદેવ મોરે પોતાના એક્ટિવા પર સનફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ યુવતીઓ સવાર થાર કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અભિષેકનું સ્થળ પર જ મોત થયું હતું.
આ ઘટનાને લઈને વડોદરા શહેર શિવસેના પ્રમુખ દીપક પાલકરે પોલીસ કમિશનરને લેખિત અરજી પાઠવી આરોપીઓના જામીન રદ કરવાની માંગ ઉઠાવી છે. અરજીમાં ગંભીર આક્ષેપો સાથે મૃતકને ન્યાય મળે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
શિવસેનાએ જણાવ્યું કે આ પ્રકારની બેદરકારીભર્યા ડ્રાઈવિંગના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, તેથી આરોપીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે અને જામીન રદ કરી કડક સજા કરવામાં આવે તે જરૂરી છે. હાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

