આજરોજ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો અંતિમ દિવસ હોવાથી Shardamandir High School ખાતે પરીક્ષા આપી બહાર નીકળતા વિદ્યાર્થીઓમાં ભારે હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલતા તણાવ અને તૈયારીનો અંતિમ પેપર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
શાળાના પટાંગણમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવતા વિદ્યાર્થીઓએ એકબીજાને વધામણી આપી હતી અને શિક્ષકોએ પણ હર્ષભેર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતિમ પેપર સરળ હોવાને કારણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધુ વધારો થયો હતો.
વિદ્યાર્થીઓએ શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગ્રુપ ફોટા અને સેલ્ફી લઈ આ યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી. અનેક વિદ્યાર્થીઓએ આ પ્રસંગે શાળાના શિક્ષકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, “શાળાના યોગ્ય માર્ગદર્શન અને નિયમિત રિવિઝનને કારણે બોર્ડની પરીક્ષા સરળ બની રહી.”
શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપી છે. અમને વિશ્વાસ છે કે આ વર્ષે પણ શાળાનું પરિણામ ગૌરવવંતું રહેશે.”

