આગામી રામનવમી નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભગવાન રામજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર એન.બી. જાજડીયા ના માર્ગદર્શન હેઠળ વાડી અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
ઝોન-3 ના નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા ની અધ્યક્ષતામાં યોજાયેલા આ પેટ્રોલિંગમાં એસીપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને SRPF ના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પેટ્રોલિંગ દરમિયાન રણમુક્તેશ્વર મંદિર થી શરૂઆત કરી વિહાર ચાર રસ્તા, નાની શાક માર્કેટ, ચોખંડી, મોગલ રેસ્ટોરન્ટ વિસ્તાર, ગેંડીગેટ, માંડવી અને એમ.જી. રોડ થઈ લહેરીપુરા દરવાજા સુધીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે ડ્રોન કેમેરાથી આધુનિક સર્વેલન્સ કરવામાં આવ્યું હતું તેમજ ઊંચી ઇમારતો પર ધાબા ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે સાથે માર્ગમાં નડતરરૂપ ટ્રાફિક અને અન્ય અડચણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.
પોલીસ તંત્ર દ્વારા શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

