વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓ અને ખુલ્લી ગટરની સમસ્યા મુદ્દે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. ગોત્રી વિસ્તારમાં આવેલી ESI હોસ્પિટલની સામે ખુલ્લી ગટર જોવા મળતા વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
હાર્દિક આમોદના જણાવ્યા મુજબ, શહેરમાં લાંબા સમયથી રસ્તા અને ગટરની સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમણે શાસક પક્ષ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, શહેરની હાલની પરિસ્થિતિ લાંબા સમયના શાસનની નિષ્ફળતા દર્શાવે છે.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે છેલ્લા 30 વર્ષથી જનતા ભાજપને મત આપે છે અને નિયમિત ટેક્સ પણ ભરે છે, છતાં રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નબળી કેમ છે. સતત ખોદકામને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતોની સંભાવના પણ વધી રહી છે.
સ્વચ્છતા મુદ્દે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. વિસ્તારમાં કચરાના ઢગલા અને ખુલ્લી ગટરની સમસ્યાને લઈને તેમણે જણાવ્યું કે એક તરફ ‘સ્વચ્છ ભારત’ અને ‘સ્વચ્છ વડોદરા’ના દાવા થાય છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં ગંદકી અને અસ્વચ્છતા લોકોને આરોગ્ય માટે જોખમરૂપ બની રહી છે.
અંતમાં હાર્દિક આમોદે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. ખુલ્લી ગટરનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે તેમણે નાગરિકોને પણ સજાગ બનવા અપીલ કરી છે.

