વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માતબર રકમ ખર્ચીને શહેરના વિવિધ તળાવોનુ બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં કોઇપણ પ્રકારની જાળવણી કે સુરક્ષાવ્યવસ્થા ન હોવાને કારણે આ તળાવોની દુર્દશા જોવા મળી રહી છે.
શહેરના તરસાલી વિસ્તારમાં મુખ્ય રોડની બાજુના તળાવના બ્યુટિફિકેશન પાછળ 1.60 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ તળાવ સુંદર કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા ન ગોઠવાતા આસપાસના લોકો દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવી રહી છે. બીજી તરફ અહીં તરસાલી વિસ્તારમાં આવેલા તરસાલી તળાવમાં ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે પરંતુ સીસીટીવી કેમેરા લાગેલા થાંભલા નમી ગયેલ છે.

અહીં વરસાદી કાંસમા વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ સિમેન્ટની પાઇપોમાં લોકો દ્વારા ડ્રેનેજના પાણી છોડાતા અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે. તળાવની આવી હાલત થતા સામાજિક કાર્યકર વિજયભાઈ જાધવ દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને વહેલી તકે તળાવોની સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થા અંગેની માંગણી કરી હતી.
વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાની ખર્ચે વિકાસના કાર્યો કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વિકાસના કામો ની દેખરેખ રાખવાની જવાબદારી નક્કી કરવામાં આવે તો જ અધિકારીઓ સાચી રીતે કામગીરી કરતા રહેશે અન્યથા કરોડો રૂપિયાની ખર્ચ કરવામાં આવે છે તે વ્યર્થ જાય છે..
તરસાલી તળાવ ની સાફસફાઇ અને જાળવણી કરવાની કામગીરી કરતા અધિકારીઓ અને વિભાગની લાપરવાહી થી આજે પણ તરસાલી તળાવમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે ..

