વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આવેલ એપોલો ટાયર કંપનીના ગેટ સામે ગત સોમવારે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માલુ ગામે રહેતો મેહુલ તડવી નામનો યુવાન ભંગારના ગોડાઉનમાં નોકરી કરતા પિતાને મોટરસાયકલ પર ટિફિન આપવા જતો હતો. આ દરમિયાન વાઘોડિયામાં આવેલ એપોલો ટાયર કંપનીના ગેટ પાસેથી પસાર થતા સમયે કાર ચાલકે અચાનક યુ ટર્ન લેતા પાછળથી આવી રહેલ મેહુલ તડવી કાર સાથે ભટકાયો હતો અને હવામાં ફંગોળાઈ સામેથી આવી રહેલ ટેમ્પો સાથે ભટકાઈ નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
આ ગમખ્વાર અકસ્માતની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા મેહુલ તડવી ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી કાર ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયેલ કાર ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

