વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ખાનગી શાળાના પટાંગણમાં આવેલ વોટર હાર્વેસ્ટિંગના કુવામાંથી મૃતદેહ મળ્યો હોવાનું સામે આવ્યું છે.
સતત વ્યસ્ત રહેતા વિસ્તારમાં આવી ઘટના બનતા સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે સાથે ફાયર વિભાગની ટીમ પણ જોડાઈ અને મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતદેહની ઓળખ નવી ધરતી કાઠિયાવાડી ચાલીમાં રહેતા પ્રદીપ દયાળભાઈ પરમાર તરીકે કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે કે પછી કુદરતી રીતે મોત થયું છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.

