હોળી–ધુળેટી પર્વ એટલે હૃદયના આંગણે વસંતનું આગમન… અને આવી જ વસંતમય ભાવના સાથે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બાપોદ જકાત નાકા પાસે આવેલી નામાંકિત મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં “ફૂલ-ફાગ મનોરથ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
હોળી, ધુળેટી અને ફૂલ-ફાગ રસિયાનો ત્રિવેણી સંગમ આ પ્રસંગે જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશો, ભૂલકાંઓ, મહિલાઓ, માતાઓ અને સિનિયર સિટીઝનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
મંડળની સખીઓ અને યુવા મહિલાઓએ સિનિયર સિટીઝન, યુવાઓ અને બાળકોને પ્રોત્સાહિત કરીને સુંદર આયોજન કર્યું હતું. “ફૂલ-ફાગ મનોરથ” કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો. રંગો, રસિયા અને ભક્તિમય ગીતોની મધુરતા વચ્ચે સૌએ ઉત્સવનો આનંદ માણ્યો.
આ રીતે યાદગાર “હોળી રે રસિયા” કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્વક પૂર્ણ થયો હતો અને સમગ્ર સોસાયટીમાં આનંદ અને એકતાનો માહોલ છવાઈ ગયો હતો.

