વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધુળેટી પર્વની પરંપરાગત અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજની આ વિશિષ્ટ પરંપરાએ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો હતો.
હોળી–ધુળેટી રાજસ્થાની સમાજ માટે ઉમંગ અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. આ પર્વ સાથે અનેક પરંપરાગત રીત-રિવાજો જોડાયેલા છે. સરગરા સમાજમાં એક ખાસ પરંપરા મુજબ, હોળી પહેલાંના છ મહિનામાં જન્મેલા પુત્ર અથવા પુત્રીને ધુળેટીના દિવસે સમાજજનો દ્વારા વધામણાં આપવામાં આવે છે.
સમાજના સભ્યો એકત્ર થઈ સંબંધિત પરિવારના ઘરે જઈ નવજાત શિશુને આશીર્વાદ આપે છે. મારવાડી ભાષામાં આ પરંપરાને “ઢુંડ” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસંગે સમાજના લોકો મોટી લાકડીઓ અને પરંપરાગત વાદ્યો સાથે રાજસ્થાની ભાષામાં ફાગણના ગીતો ગાઈ આનંદ વ્યક્ત કરે છે. ઢોલ-નગારાની તાલ સાથે વધામણાં કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ઉત્સાહથી ગૂંજી ઉઠ્યો હતો.
સમાજ માટે આ પરંપરા માત્ર ઉત્સવ પૂરતી સીમિત નથી, પરંતુ એકતા, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયેલ આ ધુળેટી પર્વે સમાજમાં આનંદ અને સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરે છે.

