વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પોલીસ દ્વારા મોટાપાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચાંદ પાર્ક હાઇટ્સના C ટાવરમાં P.C.B., SOG અને J.P. પોલીસની સંયુક્ત ટીમે છાપો માર્યો હતો. થોડા દિવસ પહેલાં J.P. પોલીસ મથકે કર્ણાટકની મહિલાથી સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી લગભગ 15 જેટલા ભેજાબાજોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગેંગનો એક સભ્ય શ્રીનિવાસન પોતાને EDનો અધિકારી હોવાનું જણાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો.
તપાસ દરમ્યાન પોલીસને ભેજાબાજ ઈલિયાસ અજમેરીના ભાઈ ઇન્દ્રેશ અજમેરીના નિવાસસ્થાન સુધી દોરતો તાર મળી આવ્યો. પોલીસ ટીમે મકાન પર દરોડો પાડતા બેંક ઓફ ચિલ્ડ્રન નામે દોઢ કરોડ રૂપિયાનાં ડુપ્લિકેટ નોટોના બોક્સ તેમજ ત્રણ કિલો જેટલા નકલી સોનાના બિસ્કિટ હાથ લાગ્યા હતા.
સ્થળ પર FSLની ટીમ તથા બેંક અધિકારીઓ પણ પહોંચ્યા હતાં. ઇલેક્ટ્રિક ત્રાજવું અને નોટ ગણે તેવી મશીનોની મદદથી જપ્ત કરાયેલ સામાનની તપાસ કરી પોલીસ કાર્યવાહી પૂર્ણ કરી હતી.

