વડોદરા પોલીસ ભવન ખાતે આજે સમા વિસ્તારના સંજય નગર અને નેહરુ નગર વિસ્તારમાં રહેતા અનેક નાગરિકો પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમારને રજૂઆત કરવા માટે પહોંચ્યા. નાગરિકોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં દારૂ વેચાણકર્તાઓની વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે રહેવાસીઓને ગંભીર પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રહેવાસીઓના જણાવ્યા મુજબ દારૂના ધંધાની આજુબાજુ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને અસામાજિક તત્ત્વોનું અડ્ડું બની જતાં મહિલાઓ, બહેનો અને દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. આવા પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પોલીસ કમિશનરને ઝડપથી પગલાં લેવા વિનંતી કરી.
નાગરિકોએ વીડિયોના માધ્યમથી સમા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને અધિકારીઓને પણ સ્પષ્ટ સંદેશ પાઠવ્યો છે કે વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધા પર તાત્કાલિક અંકુશ મૂકવાની જરૂર છે. નાગરિકોની આ રજૂઆત બાદ હવે પોલીસ વિભાગ દ્વારા કઈ કાર્યવાહી થાય છે તે અંગે સૌની નજર ટકેલી છે।

