વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચાર મહિનામાં 15 થી વધુ સભાઓ મુલતવી રાખવામાં આવી હતી ત્યારે ગતરોજ મળેલી સામાન્ય સભામાં વડોદરા ને વિકાસ માટે તમામ કામોની મંજૂરી આપવામાં આવી હતી સાથે સભામાં સ્વચ્છતા બાબતે રૂા. 1.16 કરોડ ખર્ચી એજન્સીને રોકવાના કામનો મુદ્દો ગાજ્યો હતો.
પાલિકામાં 4 મહિનામાં 15 સભાઓ મુલતવી રહ્યા બાદ આખરે ગુરુવારે મળેલી સભામાં સ્વચ્છતા બાબતે રૂા. 1.16 કરોડ ખર્ચી એજન્સીને રોકવાના કામનો મુદ્દો ગાજ્યો હતો. જેમાં કાઉન્સિલરે 4942 સફાઈ કર્મીઓ, સ્વચ્છતા પાછળ 80 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ એજન્સી 1 થી 10માં નંબર આવશે તેવી ખાતરી કેમ ન આપે? સભામાં મનીષ પગારે કહ્યું હતું કે, 4942 કર્મચારીના સ્ટાફમાં તો વડોદરાને બે વખત સાફ કરી શકાય. એજન્સીને દર મહિને પૈસા ચૂકવવાની વાત છે. જો એજન્સી 6 મહિનામાં કામ છોડીને જતી રહેશે તો અને એજન્સી કામ કરશે તો 2 લાખના પગારવાળા
અધિકારી શું કરશે? તેમણે પોતાના વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા થતી હોવાનો મુદ્દો ઉઠાવી આ બાબતે એજન્સી શું કહે છે તેમ પૂછ્યું હતું. જવાબમાં સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે, આ બાબતે ચર્ચા થઈ નથી, પણ બધા સભ્યોને સાથે રાખી એજન્સી સાથે ડિટેઇલમાં ચર્ચા કરીશું. મનીષ પગારની રજૂઆતપર બંદીશ શાહે એજન્સીને કામ આપવાના સમર્થનમાં કહ્યું હતું કે, ઈન્દોરનો પહેલો નંબર એજન્સીને કારણે જ આવ્યો છે. જેથી આપણો પણ રેંક સુધરશે. ચર્ચા દરમિયાન મનીષ પગાર અને સુરૂતા પ્રધાને જાહેરમાં કચરો અને વેસ્ટ નાખતા લોકોને દંડ ફટકારવા માગ કરી હતી. જ્યારે હરીશ પટેલે જે સફાઈ કર્મી સહિતના અધિકારી કામ નથી કરતા તેની સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. તમામ રજૂઆત સાંભળ્યા બાદ મ્યુ. કમિશનર દિલીપ રાણાએ પણ ખુલ્લામાં થતી શૌચક્રિયા પર કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી.

