મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ૬ ખેડૂતો સન્માનિત
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને મળ્યો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૧૯મો હપ્તો
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળભારતી ખાતે ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
PM KISAN યોજનાના ૧૯માં હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે PM KISAN યોજના અન્વયે ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રુ.૧,૧૪૮ કરોડથી વધુની સહાય સહિત સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૨,૦૦૦ કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં કરવામાં આવી હતી.
ગાંધીનગર કૃષિ ભવન ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ નવીન “કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર”નું ઇ-લોકાર્પણ થયું. આ સાથે રાજ્યભરમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કુલ ૧૮ લાભાર્થીઓને રૂ. ૧૬,૯૯,૨૦૬ની સહાયનું વિતરણ કરાયું હતું. જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ સહિતની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
કાર્યક્રમમાં સાંસદ જશુભાઇ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળભારતી, ગોલાગામડી ગામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ તકનિકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલની ઉપસ્થિત ખેડૂતોએ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ.પંચાલ, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

