વડોદરા શહેરમાં પ્રોહિબિશન વિરુદ્ધ ચાલી રહેલી સખત કાર્યવાહી વચ્ચે પી.સી.બી. (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)એ કિશનવાડી વિસ્તારમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઘરના પી.ઓ.પી. સીલિંગ અને બ્યુટી પાર્લરની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે દરોડા દરમિયાન ઝડપી પાડ્યો છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અભિયાન ચાલી રહ્યું છે. તે જ અંતર્ગત પી.સી.બી.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે કિશનવાડી વુડાના મકાન નજીક પરશોત્તમનગર સોસાયટીના મકાન નં. C-35 પર વોચ ગોઠવી રેડ પાડવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને મકાનની પી.ઓ.પી. સીલિંગ તેમજ બ્યુટી પાર્લરના રૂમના ખાનાઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા ₹2,73,820નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે પોલીસે સ્થળ પરથી હિતેશકુમાર રતિલાલ જયસ્વાલ (ઉંમર 45)ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે દારૂનો જથ્થો જીજ્ઞેશ ઉર્ફે જીગો પરમાર નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવતો હતો, જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કાર્યવાહી પી.સી.બી.ના પી.આઈ. સી.બી. ટંડેલ તથા તેમની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.

