વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો મોટો કિસ્સો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કરજણ પોલીસ હદમાં મુંબઈ-દિલ્હી હાઇવે પર નાકાબંધી ગોઠવી ટેન્કર નંબર NL 01 Q 9579ને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો.
તપાસમાં બહાર આવ્યું કે ટેન્કરમાં જુદા જુદા બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1131 પેટીઓ (કુલ 20,340 બોટલ) ભરેલી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. 1,73,53,488/- થાય છે. સાથે જ ટેન્કર (રૂ. 15 લાખ), બે મોબાઇલ ફોન, ગેસ અને ઓક્સિજન બોટલ, તથા રોકડ મળી કુલ રૂ. 1.88 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો.
ડ્રાઇવર ફગલુરામ ઉમારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
આ કેસ વડોદરા ગ્રામ્યમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે.

