વડોદરામાં હાલમાં નેશનલ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા અકોટા બ્રિજ પર ગર્ડર લોન્ચિંગ અને અન્ય ટેકનિકલ કામગીરી કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને વડોદરા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તા. ૨૭ માર્ચથી ૮ એપ્રિલ ૨૦૨૬ સુધી અકોટા બ્રિજ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ૧૩ દિવસના બ્લોક દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તાર અને રેલવે સ્ટેશન તરફ જતા ટ્રાફિકને અસર થઈ શકે છે. જોકે, તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
લાલબાગથી અકોટા તરફ: મુજમહુડા થઈને જઈ શકાશે.
ભીમનાથ નાકાથી અકોટા તરફ: અલકાપુરી અંડરપાસ અને જેતલપુર રોડનો ઉપયોગ કરી શકાશે. પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં સાઈનબોર્ડ મૂકવામાં આવશે જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે. બુલેટ ટ્રેન એ રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ હોવાથી શહેરીજનોને સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગો અપનાવવા વિનંતી કરવામાં આવી છે.

