છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં લીલા વૃક્ષોના ગેરકાયદે કટાણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી કરી એક ટ્રેક્ટર જપ્ત કર્યું છે.
માહિતી મુજબ, કેટલાક વિરપ્પનો દ્વારા આદિવાસીઓને લોભ આપીને લીલા વૃક્ષોનું કટાણ કરાવવામાં આવે છે.
ત્યારબાદ દિવસ દરમિયાન જ ટ્રેક્ટરોમાં ખુલ્લેઆમ લાકડાની હેરાફેરી કરવામાં આવે છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે આવા તત્વોને કોઈનો ડર નથી અને તેઓ ભરબજારમાંથી પણ નિર્ભય રીતે ટ્રેક્ટરો પસાર કરે છે.
આ દરમિયાન પર્યાવરણપ્રેમી દ્વારા મળેલી બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગ સતર્ક બન્યો હતો.
હરિપુરા તરફથી આવતા લીલા લાકડાં ભરેલા ટ્રેક્ટરને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જરૂરી કાયદેસર દસ્તાવેજો રજૂ ન કરી શકાતા ટ્રેક્ટરને જપ્ત કરી નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે લાવવામાં આવ્યું હતું.
ઘટના બાદ પર્યાવરણપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.
તેઓ સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે કટાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

