વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ગોઠડા ગામમાં પવિત્ર રમઝાનના 27મા રોજે કોમી એકતાનું અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે।
ગામના હિન્દુ પરિવારો—ખાસ કરીને ભુદેવ (બ્રાહ્મણ), શાહ અને રબારી સમાજના સભ્યોએ મુસ્લિમ બિરાદરોને પોતાના ઘરે આમંત્રિત કરી સામુહિક રોજા ઇફતારી કરાવી હતી। આ પ્રસંગે યજમાન પરિવારો દ્વારા પોતાના મકાનના ધાબા પર સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઇસ્લામિક પરંપરા મુજબ ઇફતારની તૈયારી કરવામાં આવી હતી।
મુસ્લિમ ધર્મમાં નમાઝ સાથે રમઝાન માસમાં રોજાનું વિશેષ મહત્વ હોય છે, અને 27મા રોજાને ખાસ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગોઠડા ગામમાં યોજાયેલી આ ઇફતાર પાર્ટી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સામાજિક સૌહાર્દ અને એકતાનું પ્રતીક બની રહી હતી।
સામુહિક ઇફતાર દરમિયાન મુસ્લિમ ભાઈઓ-બહેનો, મહિલાઓ અને બાળકોએ રોજા ખોલ્યા અને દેશ-દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆઓ કરી હતી।
આ અનોખા આયોજન દ્વારા ગોઠડા ગામે સમગ્ર સમાજને એકતા, ભાઈચારા અને સહઅસ્તિત્વનો શક્તિશાળી સંદેશ આપ્યો છે।

