વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવીન કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બી.સી.એ.ના કૌટુંબિક ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં ટિકિટ વેચાણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવા તથા દોષિતોને કડક સજા કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા સહિતના કાર્યકર્તાઓએ અધિક કલેક્ટર ભરતભાઈ પટેલને આવેદનપત્ર સોંપ્યું હતું. રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, ક્રિકેટ મેચ માટે ઓનલાઈન ટિકિટ વેચાણ માત્ર 15 મિનિટ માટે ખુલ્યું હતું અને એટલા ટૂંકા સમયમાં તમામ ટિકિટો વેચાઈ જવી શંકાસ્પદ છે. આથી ટિકિટોની કાળા બજારી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે સમગ્ર ટિકિટ વેચાણ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ સાથે પાર્ટીના કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારી 11મી જાન્યુઆરીના રોજ ઘરણા પ્રદર્શન કરવામાં આવશે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
આ રજૂઆતને પગલે શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ટિકિટ વિતરણની પ્રક્રિયા અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે.

