વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઇટવાડ ગામમાં એક દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો, જેમાં મકાનની આગળ બનાવેલું અડાળું (છાપરું) અચાનક ધરાશાયી થતાં 10થી વધુ મહિલાઓ તેના નીચે દબાઈ જતાં ઇજાગ્રસ્ત થઈ હતી. બનાવના પગલે ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દિલીપસિંહ રાઠોડના ઘેર પુત્રના લગ્ન પ્રસંગ નિમિત્તે ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ વિવિધ કઠોળના લોટથી વડી બનાવી સુકવવા માટે મહિલાઓ છાપરા ઉપર ચડેલી હતી. આ દરમિયાન છાપરું અચાનક તૂટી પડતાં ઉપર રહેલી મહિલાઓ નીચે દબાઈ ગઈ હતી.
બનાવની જાણ થતા જ ત્રણ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને તમામ ઘાયલ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ડેસર સીએસસી ખસેડવામાં આવી હતી. વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાઓને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
આ ઘટનામાં બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

