વડોદરા શહેરમાં રોજબરોજ વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. ખોડીયાર નગરથી દરજીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ માર્ગ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, રોડ પર ચાલી રહેલી કામગરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, ત્યારે વાહનચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવતા હોવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આજની ઘટનામાં ટેમ્પોને ભારે નુકસાન થયું હતું, જ્યારે પાણી ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું.
બન્ને વાહનચાલકો સામસામે આવી જતા અકસ્માતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા અને વાહનવ્યવહાર વ્યવસ્થિત કરવા પ્રયાસ હાથ ધર્યા હતા.
શહેરમાં પીવાના પાણીની અછત વચ્ચે ટેન્કર મારફતે પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેટલાક ટેન્કર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાના આરોપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. આવા ટેન્કરોથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાનું પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

