વડોદરા મહાનગર પાલિકા હસ્તકના કેટલાક બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો બાદ બે બગીચાઓમાં પ્રવેશવા રજિસ્ટરમાં એન્ટ્રી કરાવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તક લગભગ ૧૩૦ બગીચાઓ છે. જેમાં કેટલાક બગીચાઓમાં અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે. જેની ફરિયાદો પણ તંત્રને મળી હતી. ખાસ કરીને કમાટીબાગમાં સિક્યોરિટીના જવાનો પણ સાથે ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી કરાતી હતી. જેને લઈ ગાર્ડનમાં આવતી મહિલા અને દિકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાનો નિર્ણય મ્યુનિ.કમિશનર દ્વારા લેવાયો છે. જેમાં કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે. આગામી દિવસોમાં બાકીના અન્ય ૧૨૮ ગાર્ડનમાં નિયમ લાગુ પડાશે. નોંધનીય છે કે, બગીચામાં આવતાં લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જાણી શકાય, તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

