વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કાર્યકર કિન્નરી યાદવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ થી કાર્યકરોનું વેતન ₹૧૦,૦૦૦ અને હેલ્પરોનું વેતન માત્ર ₹૫,૦૦૦ પર સ્થિર છે. આજની આસમાને પહોંચેલી મોંઘવારીમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
સરકાર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતા, કાર્યકરોએ ૧૮ થી ૨૦ માર્ચ સુધી તમામ ઓનલાઇન અને ઓફલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. આ બહેનો આંગણવાડીની પાયાની કામગીરી ઉપરાંત BLO (ચૂંટણી લક્ષી કામગીરી) અને ડિજિટલ ડેટા એન્ટ્રી જેવી વધારાની જવાબદારીઓ પણ નિભાવે છે.
આ હડતાળને કારણે ખાસ કરીને સ્લમ વિસ્તારના બાળકોને મળતા ગરમ નાસ્તા અને દૂધ જેવી પોષણલક્ષી સેવાઓ ખોરવાઈ છે. કાર્યકરોએ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે બેઠક યોજી વેતનમાં સન્માનજનક વધારો નહીં કરે, તો આ આંદોલન આગામી સમયમાં વધુ તેજ બનશે.

