ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને પ્રાચીન કલા કેન્દ્ર, ચંડીગઢના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય વિશેષ શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કાર્યક્રમ “અંતરનાદ” ની આજે પ્રથમ સંધ્યાને સંસ્કૃતિમય અને કલામય સંગીત-નૃત્ય પ્રસ્તુતીઓ સાથે ઉત્સાહપૂર્વક શરૂઆત કરવામાં આવી.
આ વિશેષ કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભવ્ય ચ ચી મેહતા સભાગૃહમાં સાંજે ૦૭:૦૦ કલાકે શરૂ થયો, જેમાં અનેક ખ્યાતનામ અને યુવા કલાકારોએ તેમના અભિનવ પરફોર્મન્સ દ્વારા સંગીતપ્રેમીઓનું મનોરંજન કર્યું. શાસ્ત્રીય ગાયક ડૉ. યશ દેવળે ના મધુર ગાન, યુવા તબલા વાદક મિલન ડોડિયા, આઝમ અલી ખાન અને પખાવજ વાદક મનોજ સોલંકી ની તિકડી દ્વારા જમાવેલ સંગીતમય રંગ અને પ્રતિભાશાળી કથક નૃત્યાંગના ડૉ તૃપ્તિ ગુપ્તા ના અભિનયથી સૌ કળાપ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા.
કાર્યક્રમની શરૂઆત પ્રાચીન કલા કેન્દ્ર, ચંડીગઢના સચિવ શ્રી સજલ કૌસર , ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફ. ગૌરાંગ ભાવસાર અને પ્રખ્યાત સંગીતવિદ્ ડૉ. દેવેન્દ્ર વર્મા બ્રજરંગ દ્વારા પરંપરાગત દિવ્યપ્રજ્વલન સાથે કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સજલ કૌસર દ્વારા પ્રોફ. ગૌરાંગ ભાવસાર ને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા.
પ્રસ્તુતિઓનો વિવિધ રંગ:
કાર્યક્રમની શરૂઆત ડૉ. યશ દેવળે ના કંઠસંગીત દ્વારા થઈ, જેમાં તેમણે રાગ બિહાગ માં “કૈસે સમઝાઉં” (વિલંબિત એક તાલ) અને ત્યારબાદ “રીસ ન કરો પ્રીતમ” (દ્રુત એક તાલ) રજુ કરી. તે પછી પંડિત દેવેન્દ્ર વર્મા ની રચના “દયા કરો માતા” (રાગ ચારુકેશી) અને અંતે હોળી આધારિત અભંગ “અબીર ગુલાલ” રજૂ કર્યો. તેમની સાથે સંગત દ્વિજ ગંધર્વ (તબલા) અને પંડિત દેવેન્દ્ર વર્મા (હાર્મોનિયમ) એ સુંદર રીતે કર્યું.
યુવા તબલા અને પખાવજ વાદકો મિલન ડોડિયા, આઝમ અલી ખાન અને મનોજ સોલંકી દ્વારા ત્રિતાલમાં જુગલબંદી ની અત્યંત ઉર્જાવાન અને જોશભરી રજૂઆત થઈ. વિવિધ તબલા અને પખાવજના પ્રયોગો જેમ કે રેલા, કાયદા, ટુકડા, પરણ અને ગત દ્વારા સંગીતમય મોજ મજાની અનુભૂતિ થઈ. તેમની સાથે ઉત્સવ ગોપાલ શ્રીવાસ્તવ (હાર્મોનિયમ) એ લેહરા સંગાથ આપ્યો.
આપેલા શાસ્ત્રીય સંગીતના માહોલ પછી, વિદૂષી ડૉ તૃપ્તિ ગુપ્તા દ્વારા કથક નૃત્યની અભિનયમય પ્રસ્તુતિ એ શ્રોતા ના મનોરંજનનું કેન્દ્ર બની. તેમણે “શિવ વંદના” (રાગ અહીર ભૈરવ) અને ત્યારબાદ “નવરંગી પરણ”, “હોળી – રંગ ડારુંગી” (રાગ દેશ) ની અભિવ્યક્તિ દ્વારા નૃત્યપ્રેમીઓનું દિલ જીતી લીધું. તેમની સાથે દ્વિજ ગંધર્વ (તબલા), ઉત્સવ ગોપાલ શ્રીવાસ્તવ (હાર્મોનિયમ), ફેનિલકુમાર સોની (વાયોલિન), અને અનાહિતા વણારે (પઢંત) એ સુંદર સંગાથ આપ્યો.
આ અવસરે પ્રાચીન કલા કેન્દ્રના સચિવ શ્રી સજલ કૌસર અને અન્ય અગ્રણીઓ દ્વારા સહભાગી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા.

