ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ બાદ બરોડા ડેરીની ચૂંટણીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જાહેરનામા મુજબ આગામી 18 તારીખે બરોડા ડેરીની ચૂંટણી યોજાશે. ચૂંટણી તારીખ જાહેર થતા જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સમગ્ર પ્રક્રિયા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરનાર ડેરીનું નિયામક મંડળ હતું અને તેમની ઇચ્છા હતી કે ચૂંટણી વહેલી યોજાય જેથી વહીવટદાર ડેરીના સંચાલનમાં ન આવે. તેમણે કહ્યું કે જો વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રક્રિયા થાય તો નિયામક મંડળે બનાવેલા પ્લાન સફળ ન થાય અને તેમને ચૂંટણી જીતવી મુશ્કેલ બને.
તેમણે આક્ષેપ કર્યો કે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવો મંગાવાયા છે તે સભાસદોની જાણ બહાર કરાયા છે તેમજ સુપરવાઇઝરો મારફતે ડેરીમાં ઠરાવ મંગાવવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે ચૂંટણી જાહેર થયા બાદ કાચી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે અને તેમાં ઉઠનારા તમામ વાંધા-પ્રશ્નોને ગંભીરતાથી લેવામાં આવે તેવી તેમની માંગ છે.
કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયામાં પેટા નિયમોનો અત્યંત વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે, ખાસ કરીને ઝોનવાઈસ ચૂંટણીમાં, જેના કારણે કેટલાક સક્ષમ અને પશુપાલકોના હિત ઇચ્છતા ઉમેદવારો ચૂંટણી લડી શકશે નહીં અને કેટલાક બિનહરીફ થઈ જશે. તેમણે કહ્યું કે અ અને બ વર્ગની મંડળીઓ ચૂંટણી લડી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
તેમણે સ્પષ્ટ કર્યું કે આ ચૂંટણી પ્રક્રિયા પર તેમની સંપૂર્ણ નજર રહેશે. ખોટા ઠરાવો કરીને તૈયાર કરાયેલી કાચી મતદાર યાદીમાં આવતા વાંધાઓને પ્રાથમિકતા સાથે જોવામાં આવે તેવી પણ માંગ તેમણે કરી. કેતન ઇનામદારે જણાવ્યું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું સાધન છે અને સભાસદોની સંમતિથી ઠરાવ મોકલાયા છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ.
અંતમાં તેમણે જણાવ્યું કે ઇતિહાસમાં ન થાય એવી પારદર્શક ચૂંટણી યોજાય અને તમામ નિર્ણયો પશુપાલકોના હિતમાં લેવાય તેવી તેમની અપેક્ષા છે. સાથે જ તેમણે ઉમેર્યું કે કોર્ટના આદેશને તેઓ શિરોમાન્ય માને છે.

