કહેવાય છે કે ‘ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે’ અને આ વાત વડોદરાની GMERS ગોત્રી હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સાબિત કરી બતાવી છે. આણંદ જિલ્લાના માલસર ગામના એક વર્ષના માસૂમ બાળકને છેલ્લા દોઢ મહિનાથી સતત તાવ અને ખાંસી સાથે શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી. અનેક ખાનગી હોસ્પિટલોમાં ‘ન્યુમોનિયા’ની સારવાર બાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં પરિવાર માટે ૪ ફેબ્રુઆરીનો દિવસ નવી આશા લઈને આવ્યો હતો.
બાળકને ગોત્રી હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ENT વિભાગના વડા ડો. હિરેન સોની અને તેમની ટીમે વિગતવાર તપાસ કરી હતી. રિપોર્ટ્સમાં ખુલ્યું કે બાળકની જમણી શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાઈ ગઈ છે. ત્યારબાદ ૫ ફેબ્રુઆરીના રોજ જનરલ એનેસ્થેસિયા હેઠળ અત્યંત જટિલ બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા કરવામાં આવી.
ઓપરેશન દરમિયાન તબીબો પણ ચોંકી ગયા હતા, કારણ કે બાળકની શ્વાસનળીમાં નાનકડો LED બલ્બ ફસાયેલો મળી આવ્યો હતો. દોઢ મહિનાથી બાળકની પીડાનું કારણ બનેલી આ વસ્તુને ડો. સોનીએ પોતાની કુશળતા સાથે સફળતાપૂર્વક બહાર કાઢી.
હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેના શ્વાસ ફરી સામાન્ય થયા છે. પરિવારજનોએ ગોત્રી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. અદ્યતન સાધનો અને માનવતાપૂર્ણ સેવા દ્વારા ગોત્રી હોસ્પિટલના તબીબોએ એક માસૂમનું જીવન બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

