વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તળાવો ફરતે ચાલવા આવતાં નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાની યોજના અંગે ચર્ચા શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપીને કડક વિરોધ નોંધાવ્યો હતો.
આગામી દિવસોમાં પાલિકા પોતાનું બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે ત્યારે આવકના સ્ત્રોત ઊભા કરવા તળાવોની આસપાસ ફરવા આવતાં નાગરિકો પાસેથી પાંચથી દસ રૂપિયા જેટલો ચાર્જ વસૂલવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે નાગરિકોને આપેલા તળાવો પર ચાર્જ લેવાનો અધિકાર કોને આપ્યો છે?
તેમણે આક્ષેપ કર્યો હતો કે પાલિકા પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે અને હવે ચાર્જ વસૂલવાની વાતો થઈ રહી છે. તેમના મતે આ નિર્ણય ચૂંટણી પહેલાંનો સ્ટંટ હોઈ શકે છે. “પહેલા આવી વાતો કરાશે અને પછી વિરોધ થતાં તેને પાછું ખેંચવામાં આવશે જેથી ચૂંટણી પહેલા નાગરિકોની સહાનુભૂતિ મેળવી શકાય,” તેમ તેમણે કહ્યું હતું.
તળાવોના બ્યુટીફિકેશનના નામે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો વચ્ચે આવા પ્રકારના ચાર્જ વસૂલવા યોગ્ય નથી એમ પણ વિરોધ પક્ષના નેતાએ ઉમેર્યું હતું.

