બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આગામી ચૂંટણી પહેલા મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ એકજૂટ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બંને જૂથ હવે વર્તમાન પ્રમુખ પ્રણવ અમીન સામે મળીને ચૂંટણી લડશે.
આ બેઠક દરમિયાન રાજવી સમરજીતસિંહ ગાયકવાડ અને ડૉ. દર્શન બેન્કરનું જૂથ એક થયું હોવાનું જણાવાયું હતું. બીસીએના અનેક પૂર્વ હોદ્દેદારો અને સભ્યો પણ આ નવા ગઠબંધનમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. આવનારી ચૂંટણી 15 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે.
રાજવી સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, “ક્રિકેટના હિતમાં અમે એકજૂટ થયા છીએ. મેનેજમેન્ટમાં વધુ પારદર્શકતા લાવવી છે અને બીસીએની ટીમ વધુ સારું પ્રદર્શન કરે તે માટે પ્રયાસ કરીશું.”
તેમણે ઉમેર્યું કે, જો તેઓ સત્તામાં આવશે તો બીસીએને વધુ આગળ લાવવા માટે કામ કરવામાં આવશે.
આ તરફ બીસીએમાં હાલ કુલ 1800 સભ્યો હોવાનું પણ જણાવાયું છે. અગાઉ સમરજીતસિંહ પ્રણવ અમીનના જૂથ સાથે જોડાયેલા હતા, પરંતુ હવે તેઓ સત્યમેવ જયતે ગ્રુપમાં જોડાયા છે, જેના કારણે ચૂંટણીમાં ફરી પ્રણવ અમીન અને સમરજીત ગાયકવાડ જૂથ વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સમરજીત જૂથ તરફથી દર્શન બેન્કર પ્રમુખપદના ઉમેદવાર રહેશે જ્યારે પ્રણવ અમીન જૂથ તરફથી કિરણ મોરે ઉમેદવાર તરીકે મેદાને ઉતરશે.
આ બેઠકમાં નયન મોંગિયા, મુનાફ પટેલ, ઈરફાન અને યુસુફ પઠાણ, કોનોર વિલિયમ્સ તથા જેકોબ માર્ટિન જેવા જાણીતા ક્રિકેટરો હાજર રહ્યા હતા.
સમરજીતસિંહે જણાવ્યું હતું કે, “જે ક્રિકેટ સાથે હશે તેની સાથે હું રહીશ.”
ડૉ. દર્શન બેન્કરે ઉમેર્યું હતું કે, “લોકોની માંગ છે કે એરપોર્ટનું નામ સયાજીરાવ ગાયકવાડના નામે હોવું જોઈએ અને જો અમે સત્તામાં આવીશું તો સ્ટેડિયમનું નામ મહારાજા સયાજીરાવ સ્ટેડિયમ રાખવામાં આવશે.”

