બોમ્બે પાર્ક, જવાહર પાર્ક, ઈશ્વર શાંતિ, દીપિકા સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી પાણી પુરવઠો બંધ, ટાંકી પર જઈ નાગરિકોએ કર્યો વિરોધ, આંદોલનની ચીમકી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બોમ્બે પાર્ક, જવાહર પાર્ક, ઈશ્વર શાંતિ સોસાયટી, દીપિકા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં નળ સુકા પડી ગયા છે. અનેક લોકો દિવસભર પાણીની રાહ જોતા રહે છે છતાં નળમાં એક ટીપું પાણી પણ નથી આવતું. સ્થાનિકો નું કેહવુ છે કે સમય સર ટેક્ષ ભરવા છતાં ટેક્ષનું વળતર આમને મળતું નથી. પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રજા ન ટેક્સના રૂપિયે માત્ર ધતિંગ કરી રહ્યા છે. નાગરિકોને સુખકારી જીવન આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.
આ પરિસ્થિતિમાં ઘરોમાં રોજિંદા કામકાજ અટકી પડ્યાં છે. લોકોએ પીવાનું પાણી મોંઘામાં ભાવથી બજારમાંથી ખરીદવું પડે છે જ્યારે અનેક સ્થાનિકો દૂરના વિસ્તારોમાંથી કેન અને ડબ્બામાં ભરી લાવવું પડે છે. અનેક વાર સ્થાનિક કાઉન્સિલર તેમજ વોર્ડ ઓફિસે પીવાના પાણી મુદ્દે ફરિયાદ કરી તેમ છ કોઈ નિરાકરણ નથી આવ્યું.
પાણીની સમસ્યાને લઈને ગુસ્સે ભરાયેલા નાગરિકો કારેલીબાગ પાણીની ટાંકી પર ભેગા થયા અને મહાનગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો તેઓ વધુ મોટું આંદોલન કરશે.
રહીશોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ હોવા છતાં પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે, જે શહેર તંત્ર માટે શરમજનક વાત છે. નાગરિકોએ તાત્કાલિક તમામ વિસ્તારોમાં નિયમિત પાણી સપ્લાય શરૂ કરવા અને આવું ફરી ન થાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

