આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 (SSC)ની બોર્ડ પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થયો છે. તે અંતર્ગત ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગામમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓમાં ઉત્સાહભર્યો માહોલ અને તંત્રની સજ્જતા જોવા મળી હતી.
પરીક્ષાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી ગયા હતા. શાળાના સંચાલકો અને શિક્ષકવૃંદ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ આપી અને કુમકુમ તિલક કરીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા જોવા મળી હતી.
વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે શાળા પરિવાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્વે શિક્ષક ઇલેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપી તેમને હિંમત અને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
શાળા તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, શિસ્ત અને સુચારુ આયોજન સાથે પરીક્ષા પ્રક્રિયા સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

